અમદાવાદ : અમદાવાદમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. જ્યાં એલિસબ્રિજ પાસે આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બે શખ્સોએ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પર એરગનથી ફાયરિંગ અને પિસ્તોલનો ગોદો મારી લૂંટ ચલાવી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે બુધવારે સાંજે લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. સીજી રોડ પર આવેલી આર કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી જમાલપુર કલેક્શન માટે ગયા હતા. બંને રીક્ષામાં બેસીને જમાલપુરથી સીજી રોડ ઓફિસે જઈ રહ્યા હતા. રીક્ષા એલિસબ્રિજ જીમખાના પાસે પહોંચી ત્યારે બે શખ્સો એક વાહન પર આવ્યા હતા. આ શખ્સોએ રીક્ષા ચાલક અને આંગડીયા કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખતા ચાલકે રીક્ષા રોકી હતી. બાદમાં બંને શખ્સોએ પેઢીના કર્મી પાસેથી બે બેગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો.
પેઢીના કર્મચારીઓએ લૂટારૂનો પ્રતિકાર કરતા લૂંટારૂ શખ્સોએ બંદૂક જેવુ હથિયાર બતાવીને ફાયરિંગ કરતા એક કર્મચારીને ઇજાઓ થઈ હતી. જેથી બંને શખ્સો 65 લાખ ભરેલા બે થેલામાંથી 40 લાખથી વધુની રકમ ભરેલો એક થેલો લૂંટીને ભાગી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરતા નવરંગપુરા, એલિસબ્રીજ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં બંને કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ઘટના અંગે પૂછપરછ કરી એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.