અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર, સતત બીજા દિવસે પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. SG હાઇવે, બોપલ, નવા વાડજ, ગોતા, હાઇકોર્ડ, ગીતામંદિર, રાણીપ, નરોડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જો SG હાઇવે અને ગોતાની વાત કરવામાં આવે તો ઝીરો વિઝિબિલિટી છે. ભારે વરસાદના પગલે અખબારનગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સતત બીજા દિવસે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આજે સાંજે ચાર વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાં વસ્ત્રાપુર, ગુરૂકુળ, સુભાષચોક, પકવાન ચાર રસ્તા, બોડકદેવ, રામપીરના ટેકરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
શહેરના પૂર્વ વિસ્તાર એવા અસારવા, શાહીબાગ, ગિરધર નગર, સુભાષ બ્રિજ, બાપુનગર, ઠક્કર નગર સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો જ્યારે સોલા, ઘાટલોડિયા, મેમનગર, ગુરુકુળ, વસ્ત્રાપુર, ગુજરાત હાઇકોર્ટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. શાહીબાગ અંડરબ્રિજમાં પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરબ્રિજ પાસે રાણીશક્તિ મંદિરની બહાર પાણી ભરાતા લોકોના વાહન બંધ પાડયા, લોકોના ઢીંચણ સુધી પાણી ભરાતા લોકોએ તે રસ્તે જવાનું ટાળ્યું.
શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રંગના પાર્ક નજીક આવેલા યજ્ઞપુરુષ ફ્લેટમાં સીડીના સ્લેબનો ભાગ ધરાશાયી થયા હોવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ સાથે રેસ્ક્યુ ટીમ રવાના કરવામાં આવી હતી. ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને ત્રીજા માટે રહેલા બેથી ત્રણ વ્યક્તિને નીચે ઉતારી લીધા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સીડીનો સ્લેબ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, વલાસડ, દાદરા તથા નગર હવેલી અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.