અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે વસ્ત્રાપુરમાં સ્થિત હયાત હોટલને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે દંડ વસૂલી સીલ મારેલા કિચનને ખોલી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, એક સપ્તાહ પૂર્વે સંભારમાંથી વંદો નીકળ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 31 જુલાઈના દિવસે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી હયાત હોટલમાં કે જે તેની બ્રાન્ડ વેલ્યૂના લીધે પ્રખ્યાત છે ત્યાંથી ગ્રાહકને પીરસાયેલા સંભારમાંથી વંદો નીકળ્યો હતો. જેનો હાલ સોશિયલ મીડીયા પર વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની ટીમ તરત જ હોટલ પર પહોંચી હતી અને હોટલના કિચનને પાલિકાએ સીલ મારી દીધું હતું.જોકે, હવે બે લાખ રૂપિયાનો દંડ વસૂલીને કિચન ખોલી દેવામાં આવ્યું છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં એક કંપનીનો જમણવાર હતો. જેમાં કંપનીના એક કર્મચારી ઈડલી સંભાર ખાઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેની નજર સંભાર પર પડી હતી. સંભારમાં તેઓએ જોયું તો વંદા જેવું જોવા મળ્યું હતું. જ્યારે બહાર કાઢીને તેઓએ જોયું તો મરેલો વંદો હતો.
નોંધનીય છે કે આ અગાઉ પણ અમદાવાદ શહેરની મોંઘીદાટ હોટેલોમાંથી મરેલા કે જીવતા જીવજંતુ નિકળવાની ઘટના બની છે. આ અગાઉ ત્રણ દિવસ પહેલા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ફૂડ મંગાવતા તેમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને મળતા ત્યાં ચેકિંગ હાથ ધરી પુરોહિત રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.