અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતો વિપુલભાઈ ડાહ્યાભાઈ સેનમા અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજ ખાતે નોકરી કરતો હતો. તે દરમિયાન વૃક્ષના રોપા કલોલ તાલુકાના પલસાણા ગામે આવેલા સ્કૂલમાં આપવાના હોવાથી આ સ્કૂલનું સરનામું પલસાણા ગામે સ્કૂલમાં નોકરી કરતી એક શિક્ષિકાને પૂછ્યું હતું. જે બબાતની અદાવત રાખી આ સ્કૂલની શિક્ષિકા અને જાસપુર ગામના પૂર્વ સરપંચે યુવકને રોકી બબાલ કરી લાફા માર્યાં હતા. બાદમાં યુવકની નોકરી પણ છીનવાઈ જતા ખોટા આક્ષેપથી આઘાતમાં સરી પડેલા યુવકે અંતિમ વીડિયો બનાવી કેનાલમાં ઝંપલાવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડાના યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે જાસપુરના પૂર્વ સરપંચ અને પલસાણાની શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે. આપઘાત કરતાં પહેલાં યુવકે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં અત્યારે હકીકત સામે આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખોટી ફરિયાદ બાદ નોકરી જતાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કલોલના જાસપુરની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. છેડતીના આક્ષેપ બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું અને આપઘાત કર્યો હતો. જે મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે.
કલોલ તાલુકાના જાસપુર ગામે યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું, પરંતુ આપઘાત કરતા પહેલા યુવાને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે આપઘાત કરવા માટે જાસપુર ગામના પૂર્વ સરપંચ અને પલસાણા ગામની શિક્ષિકા તથા અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા. વીડિયોમાં યુવકે જણાવ્યા મુજબ સ્કૂલનું નામ પૂછવા બાબતે શિક્ષિકાને ઊભી રાખતા શિક્ષિકા અને પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિએ તેની સાથે માથાકૂટ કરી હતી અને પૂર્વ સરપંચે લાફો માર્યો હતો.
ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવીને ફરિયાદ કરી હતી અને માફી પત્ર લખાવ્યો હતો. આ ઘટનાનું યુવકને લાગી આવતા આ પગલુ ભર્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ પૂર્વ સરપંચ, શિક્ષિકા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ અનુસાર મૃતક વિપુલ સેનમા અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજમાં આવેલા ટાટા હાઉસિંગમાં નોકરી કરતો હતો.
અંતિમ વીડિયોમાં વિપુલે જણાવ્યું હતું કે, અરવિંદ ફાઉન્ડેશનમાંથી પણ મને નીકાળી દેવામાં આવ્યો અને નોકરી ઉપર આવવાની ના પાડી દીધી છે. તેથી સ્યુસાઇડ કરી રહ્યો છું. તેના જવાબદાર પલસાણાના ટીચર રહેશે અને જે ગામના સરપંચે મને લાફો માર્યો છે તે રહેશે. હું જાસપુર કેનાલમાં પડું છું ‘જય શ્રી કૃષ્ણ અલવિદા’ મિત્ર ધવલ અને આનંદને ખાસ વિનંતી કરું છું કે, સમાધાન ન કરાવતા ખરેખર મને ન્યાય મળવો જોઈએ એમને સજા મળવી જોઈએ.