અમદાવાદ : ઘણી વાર લોકો લાલચમાં આવી જતા હોય છે જેના પરિણામે હેરાન થવાનો વારો આવતો હોય છે. આવું જ એક બનાવ શહેરના ઘાટલોડીયામાંથી સામે આવ્યો છે. જેમાં મહિલા અને તેમના સસરાને રોકાણ કરીને ટૂંકા સમયમાં પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી છે. બંનેએ કુલ 4.28 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે ઠગ દંપતીએ તેમને 40 લાખ પરત આપીને બાકીની રકમ પરત આપી ન હતી. ઠગ દંપતીએ રોકાણના નામે રૂ. 3.87 કરોડ રૂપિયા પડાવી છેતરપિંડી આચરતા ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી દંપતિની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થલતેજ વિસ્તારમાં રહેતા વૈશાલીબેન પટેલના પતિનું વર્ષ 2018માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમનો દીકરો કેનેડા ખાતે રહેતો હતો. જેથી તેઓ કેનેડા અવરજવર કરતા હતા. વૈશાલીબેને અને તેમના સસરાએ જમીન વેચી દીધા બાદ મોટી રકમ મળતા તેનું રોકાણ કરવાનું હતું. આ દરમિયાનમાં બોપલમાં રહેતા અને ફાઇનાન્સ તથા ઇન્સ્યોરન્સ ફાઇનાન્સનું કામ કરતા જીગ્નેશ પંડ્યા અને તેની પત્ની રન્ના પંડ્યા સાથે તેમનો સંપર્ક થયો હતો.
જીગ્નેશ અને રન્નાએ ‘‘રોકાણ કરશો તો બેંક ડિપોઝિટ તથા અન્ય સરકારી, અર્ધ સરકારી તથા પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓ કરતા પણ ઊંચું વળતર આપવાની’’ લાલચ આપી હતી. બાદમાં 15 થી 20 દિવસમાં નાણાં બે થી ત્રણ ગણા થઈ જશે તેવી લાલચ આપી હતી. જેથી વૈશાલીબેને પહેલા 10 લાખ રૂપિયા રોકાણ માટે આપ્યા હતા.
થોડા દિવસ બાદ દંપતીએ વૈશાલીબેનના ઘરે આવીને ‘‘તમારા પૈસા ડબલ થઈ ચૂક્યા છે. પરંતુ જરૂર ના હોય તો ઉપાડતા નહિ, હજુ પૈસા વધી શકશે’’ તેવી લાલચ આપીને બીજા 20 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આમ દંપતીએ ભરોસો આપીને ટુકડે ટુકડે 4.28 કરોડનું વૈશાલીબેન પાસે રોકાણ કરાવ્યું હતું. જેમાંથી માત્ર 40.77 લાખ પરત આપીને 3.87 કરોડ પરત આપ્યા ન હતા. જેથી આ મામલે વૈશાલીબેને દંપતી સામે ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે જીગ્નેશ પંડ્યા અને તેની પત્ની રન્ના પંડ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.