અમદાવાદ : સાબરમતી રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશનની સાથે રેલવે સ્ટેશનને પણ કનેક્ટિવિટી આપવા માટે મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે. તેની સાથે જ હબની બાજુમાંથી રેલવે સ્ટેશને જવા માટેનો મુખ્ય એન્ટ્રી માર્ગ તૈયાર કરાશે. જેમાં તેની સાથે જ મુખ્ય સ્ટેશન બિલ્ડિંગ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પહેલા માળે રિઝર્વેશન કેન્દ્ર, આરપીએફ પોલીસ સ્ટેશન સહિત રેલવેની અન્ય ઓફિસો હશે. સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલી આ તમામ ઓફિસો તોડી ત્યાં પાર્કિંગ એરિયા અને ગાર્ડન તૈયાર કરાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન બિલ્ડિંગમાં પહેલા માળનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે રિઝર્વેશન કેન્દ્ર સહિત અન્ય ઓફિસો ત્યાં શિફ્ટ કરવાની કામગીરી પણ રેલવે દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દિવાળી પહેલા આ તમામ ઓફિસો નવી બિલ્ડિંગમાં શરૂ કરાશે. હાલના આરપીએફ પોલીસ સ્ટેશનની બાજુમાં તેમજ તેની પાછળના ભાગે લગભગ 2500 ચોરસ મીટર એરિયામાં ઓટો તેમજ ટેક્સી પાર્કિંગ એરિયા તૈયાર થશે. જેમાંથી લગભગ 1575 ચોરસ મીટર એરિયામાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 420 ચોરસ મીટરનો એક્ઝિટ રોડ પણ તૈયાર થઈ ગયો છે. આ રોડ તેમજ પાર્કિંગ એરિયાને આગામી 15 દિવસમાં લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવે તેવી શક્યતા છે. આ પાર્કિંગ એરિયા ખૂલ્લો મુકાતા 200થી વધુ ટેક્સી નવા પાર્કિંગમાં પાર્ક થઈ શકશે.
હાલમાં સાબરમતી સ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કુલ કામગીરીમાંથી લગભગ 45 ટકા પૂર્ણ કરી દેવાઈ છે. તેની સાથે જ આગામી દિવાળી અને છઠ પૂજા સમયે પેસેન્જરોને હાલાકી ન પડે તે રીતે ટ્રેનોના સંચાલનને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ નંબર 2-3 અને ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 1 પર બ્લોક લેવામાં આવશે. જો બ્લોક મળી જાય તો પ્લેટફોર્મની કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે. જેના પગલે સ્ટેશન રિડેવલપમેન્ટની કામગીરી 2026ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
સાબરમતી સ્ટેશન પર તાજેતરમાં બે નવા પ્લેટફોર્મ નંબર 6 અને 7 શરૂ કરી દેવાયાં છે. પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર કામગીરી કરવા બ્લોક લેવામાં આવ્યો છે. જ્યાં દિવસ-રાત સ્ટેશન તૈયાર કરવા માટે કામગીરી ચાલી રહી છે. જે પૂરી થયા પછી પ્લેટફોર્મ નંબર 4-5 શરૂ કરી પ્લેટફોર્મ નંબર 2-3 પર બ્લોક લેવાશે.