અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રથમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 3 ઓક્ટોબરના રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ ગૃહમંત્રી દ્વારા કરાવવામાં આવશે. બીજા દિવસે સાંજે માણસાના બીલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે.
આગામી 3 અને 4 ઓક્ટોબર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં 3 ઓક્ટોબરે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સવારે એસજી હાઇવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપશે. ત્યાર બાદ બાજુમાં નવા બનેલા વેજીટેબલ માર્કેટને ખુલ્લુ મુકશે. ભાડજ ખાતે નવી બનાવેલી નવી પ્રાથમિક શાળાનું પણ મુલાકાત લેશે. ભાડજ ખાતે ગાંધીનગર લોકસભા સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
સાંજે 5 વાગ્યે અમદાવાદમાં શાહીબાગ ખાતે બનાવવામાં આવેલી નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કર્યા બાદ રાત્રે 8 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો તેઓ દ્વારા કરાવવામાં આવશે. 3 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં જ વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત રાત્રે અમદાવાદમાં વિભિન્ન વોર્ડમાં આયોજિત શેરી ગરબા મહોત્સવમાં નારણપુરા વોર્ડમાં, જોધપુર વોર્ડમાં અને મકરબા વોર્ડના ગરબામાં પણ તેઓ હાજર રહેવાના છે.
બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સાંજે માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે સ્કૂલમાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે માણસા નજીક આવેલા તેમના વતન ખાતે માતાજીની આરતી માં તેઓ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે તેઓ નવરાત્રિમાં દર વર્ષે પરિવાર સાથે માતાજીના દર્શન કરવા જતા હોય છે. જેમાં આ વર્ષે પણ તેઓ પરિવાર સાથે કુળદેવીના દર્શન કરવા જવાના છે.