અમદાવાદ : રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહ્યાં છે, ત્યારે તેમની માગ સામે સંતોષકારક જવાબ ન મળતા આખરે TRBના જવાનો પગાર વધારા સહિતની માગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે.TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માંગ સતત કરી રહ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યમાં TRB જવાનો ફરી હડતાળ પર ઊતર્યા છે. પગાર વધારાની માગણી ન સંતોષાતાં તેમણે સોમવારે દેખાવો કર્યા હતા. અમદાવાદના પણ 1600 TRB જવાન હડતાળમાં ભાગ લેવાના હોવાથી શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે. સોમવારે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ગ્રામ્યના TRB જવાનો ભેગા થયા હતા. હવે અમદાવાદ શહેરના TRB જવાનો પણ આ હડતાળમાં સામેલ થશે.
જ્યારે હવે અમદાવાદના 1600થી વધુ TRB જવાનો સહિત રાજ્યભરના આશરે 10 હજાર જેટલા જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેશે નહીં અને નક્કી કરેલી જગ્યાએ હડતાળ કરશે. આ ઉપરાંત, TRB જવાનો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાના માંગણીઓને લઈને રજૂઆત કરશે.
TRB જવાનોએ જણાવ્યું હતું કે, અગાઉ આ પ્રકારની માંગણી કરતા તેમને છૂટા કરી દેવાની ચિમકી આપી હતી. એટલે TRB જવાનોમાં છૂટા કરી દેવાનો ડર સતાવી રહ્યો છે. સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો બાદ TRB જવાનોને તેનો લાભ મળ્યો નથી, ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતા આખરે TRB જવાનોએ ઉગ્ર આંદોલન ચિમકી ઉચ્ચારી છે.