અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક મળી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરે તેમજ એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે મિહિર રાણાની નિમણૂક કરવામાં આવી છે. અમિત ડોંગરે હાલ રાજ્ય સરકારમાંથી અમદાવાદના રિજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ત્રણ એડિશનલ ચીફ ફાયર ઓફિસર થવાથી બે એડિશનલ ચીફ ઓફિસરને પૂર્વ અને પશ્ચિમ તેમજ એક એડીશનલ ચીફ ઓફિસરને એડમીન તરીકે જવાબદારી આપવામાં આવશે.
રાજ્ય સરકાર માટે અમદાવાદમાં પ્રાદેશિક ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત ડોંગરે હવે શહેરની ફાયર બ્રિગેડ ટીમનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત જયેશ ખાડિયા અને મિથુન મિસ્ત્રી નામના બે અધિકારીઓને પણ બઢતી આપીને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી શહેરમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની કુલ સંખ્યા ત્રણ થઈ ગઈ છે. તેમાંથી બે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો માટે જવાબદાર રહેશે, અને એક વહીવટની દેખરેખ રાખશે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં અમિત ડોંગરેને ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે મિહિર રાણાને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિથુન મિસ્ત્રી અને જયેશ ખાડિયાને પણ નિયમિત પ્રમોશનના ભાગરૂપે ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેને 68 ગુણ મળ્યા છે. જ્યારે એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે મિહિર રાણાને 71 ગુણ મળ્યા છે. બંને પોસ્ટ ઉપર બે-બે અધિકારીઓને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. જો અધિકારી હાજર નહીં થાય તો વેઇટિંગ લિસ્ટમાંથી નિમણૂક આપવામાં આવશે.