અમદાવાદ : દિવાળીના 5 દિવસ માટે અમદાવાદના રસ્તાઓ પર વધુ દસ 108 સેવા એટલે કે 108 એમ્બ્યુલન્સ વધારે દોડાવવામાં આવશે. સામાન્ય દિવસો કરતા દિવાળી ટાણે દાઝવાના, ફૂડ પોઈઝનિંગ, અકસ્માતના કેસમાં વધારો થતો જોવા મળે છે.દિવાળીના દિવસોમાં આગ કે અકસ્માતના બનાવો બનતા એમ્બ્યુલન્સની સૌથી પહેલા જરૂર પડે છે તેથી 108ની સેવા તાત્કાલિક મળી રહે તે માટે સરકારે 838 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેવાની જાહેરાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફટાકડા ફોડવાથી કે તેના તણખા ઉડવાથી આગની ઘટનાઓ, દાઝી જવાની ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે તહેવારોમાં દુર્ઘટનાઓ વધતા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કર્યો છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમરજન્સી કોલમાં 16 ટકા વધારો થાય છે. દિવાળીમાં દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાતો હોય છે.
તેમજ બ્લેક સ્પોટ પર બંદોબસ્ત, બમ્પ, સિગ્નલ, સાઈન બોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારમાં બહાર જતાં અને ઓવરસ્પીડના કેસ જોવા મળતાં હોય છે. 75 ટકા કેસ રોડ અકસ્માતના જોવા મળતા હોય છે. તહેવારમાં ઈમરજન્સી સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે. સાંજના સમયે અકસ્માતો વધતા અધિકારીઓએ લોકોને જોખમકારક ચીજવસ્તુઓથી દૂર રહેવા વિનંતી કરી છે.
તહેવાર દરમિયાન દાઝી જવું, રોડ અકસ્માત, પેટનો દુઃખાવો, તાવ, મારામારી, શ્વાસ લેવામાં તકલીફ જેવા કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. જો કે દિવાળીના તહેવારમાં હોસ્પિટલો પણ રજાનો માહોલ હોય છે. તેવા સમયે 108 સેવા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહશે અને 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલીમબદ્ધ ઓફિસર, ડોકટરની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં 838 જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલ્બ્ધ રહેશે.