અમદાવાદ : ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ (Alcohol Detection Dog) ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ દ્વારા ‘આદ્રેવ’ને ખાસ તાલીમ અપાઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કુલ ખાતે પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડ દ્વારા આદ્રેવને ખાસ તાલીમ આપવામાં આવી છે. ૯ માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે તાજેતરમાં રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો હતો.
રાજકોટની ભક્તિનગર પોલીસે આદ્રેવને જ્યા અગાઉ પ્રોહિબિશનના કેસો થયા હોય તેવા ઢેબર કોલોની મફતીયાપરા ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યા એક મહિલાના ઘરમાંથી ઠંડો આથો શોધી આદ્રેવે તેના ડોગ હેન્ડલરને ઘરમાં સંતાડવામાં આવેલા સંદિગ્ધ મુદ્દામાલ અંગે સંકેત આપ્યો હતો. જેને આધારે આ મકાનમાંથી મુદ્દામાલ પકડી પાડી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.