અમદાવદ : કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ હકીકત એ છે કે રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. આવાં જ બુટલેગરને લીધે રાજ્યને એક હોનહાર PSIને ગુમાવવાનો વારો આવ્યો છે. રોડ બ્લોક કરીને ઉભેલા PSI પર ટ્રક ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં PSI જે.એમ.પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે SMCના IG નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમદાવાદના જુહાપુરામાં રહેતા અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC માં ફરજ બજાવતા PSI જે. એમ. પઠાણને દારૂની હેરફેરની બાતમી મળી હતી. SMC ટીમના PSI જે એમ પઠાણ આજે 5 નવેમ્બરના રોજ મોડી રાતે 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે પહોંચ્યા હતા. તેઓને બાતમી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા ગાડી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ SMC ની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઈ ન હતી. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેની લાઈટ જોઈ PSI જેએમ પઠાણ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાયા હતા. તો આ સાથે જ ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયો હતો. આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા PSI પઠાણ ટેલરની પાછળના ભાગે ભટકાયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત જેએમ પઠાણને પ્રથમ દસાડા PHC સેન્ટર પર અને ત્યાર બાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં દિનેશ રાવત અને કૃષ્ણદેવસુંહ જાડેજા પણ ઈજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે.
આ તરફ. PSIના આકસ્મિક મોતથી પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. સમગ્ર મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે PSIને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતે એક કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા છે.
આ પછી PSIના અકસ્માતની તપાસ માટે આઠ ટીમો બનાવાઈ છે. અકસ્માત સર્જનાર ટ્રેલર અને બુટલેગરની કાર શોધવા માટે અલગ અલગ ટીમોને જવાબદારી સોંપાઈ છે. સુરેન્દ્રનગર DYSP ના નેતૃત્વ માં 8 ટીમો બનાવાઈ છે. ઘટનાસ્થળની આસપાસના 70 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરાઈ રહ્યા છે. દસાડા અને પાટડીના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટની પણ તપાસ થશે.