અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
તપાસ પ્રમાણે કડીના બોરીસણા ગામે જઈને કેમ્પ કર્યો અને 19 વ્યક્તિમાંથી 7 લોકોની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ. તે પૈકી 2 લોકોના મોત થયા. જે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી તેમના ઓપરેશનની જરૂર જ ન હતી. ખ્યાતિ હોસ્પિટલના જવાબદારો વિરૂદ્ધ ગુનાઈત-હત્યાના કાવતરાની ફરિયાદ નોંધવામાં આવશે.’ બે નિર્દોષના જીવ ગયા બાદ રાજ્ય સરકાર ઊંઘમાંથી જાગી છે અને એક બાદ એક કાર્યવાહી કરી રહી છે. પરંતુ પીડિતોનો પરિવારને વળતર અંગે સરકાર હજુ મૌન છે.
ખ્યાતિ હોસ્પિટલ સામે 10 મોટા નિર્ણય
અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે ગુજરાતની તમામ હોસ્પિટલ માટે નીચે મુજબની જાહેરાતો કરી છે.
હોસ્પિટલને PMJAYથી બહાર કરાશે.
માલિક સામે પગલાં લેવામાં આવશે.
ડોક્ટર હવે માન્ય ડોક્ટર ગણવામાં આવશે નહીં.
યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિના મોત થયા છે એટલા માટે BNSની કલમ 105, 336, 361 હેઠળ રાજ્ય સરકાર પોલીસ ફરિયાદ કરશે.
ડોક્ટર સામે પગલાં લેવા મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવશે.
અગાઉના કેસ સામે તપાસ કરવામાં આવશે.
વ્યવસ્થા સુધારીકરણ કરવામાં આવશે.
કાર્ડિયોલોજી અને કાર્ડિયાક ફરજિયાત રહેશે, વિઝિટિંગ હશે તો PMJAY માન્યતા મળશે નહીં.
PMJAYનું મોનિટરિંગ કરવામાં આવશે.
પીડિત પરિવાર પ્રત્યે સરકાર દુઃખ વ્યક્ત કરે છે જેથી રાજ્ય સરકાર કડક પગલાં લેશે અને માળખાકીય સુવિધામાં સુધારો કરાશે.