અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. છેલ્લા 48 કલાકમાં શહેરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગમાં મોત બાદ હવે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.તો એક વ્યક્તિ ઘાયલ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે બિલ્લો નામનાં બુટલેગર અને તેના સાગરિતોએ તલવાર અને પાઈપો વડે યુવક પર હુમલો કરી હત્યા કરી નાખી હતી.અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે આ હત્યા થઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. કાગડાપીઠ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે ગઇકાલની માથાકુટ ચાલતી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વેપારીનું નિધન થયું છે.આ પહેલા અમદાવાદમાં માઇકાના વિદ્યાર્થીની છરીના ઘા મારીને પોલીસ કર્મી દ્વારા હત્યા કરવામાં આવી હતી. બોપલમાં NRIની હત્યા કરવામાં આવી હતી. આ પહેલા ચાંદખેડા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક જૂથ અથડામણમાં એક વ્યક્તિની હત્યા થઇ હતી. એક જ મહિનામાં અમદાવાદમાં હત્યાની ઘટનામાં વધારો થતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.