અમદાવાદ : અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકવો ભારે પડી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવો એ દરેક નાગરિકની જવાબદારી છે. અમદાવાદ શહેર સ્વચ્છ અને સુંદર રાખવા માટે ગંદકી ફેલાવતા દરેક વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે.
જાહેર માર્ગો પર ગંદકી-ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અને વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નારણપુરા અને નવરંગપુરા વિસ્તારમાં જાહેર રોડ પર કચરો ફેંકી ગંદકી કરવા બદલ કુલ 8 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે.
નવરંગપુરા વિસ્તારમાં મીઠાખળી છ રસ્તા પાસે ગાડીઓના સીટ કવરના દુકાનદારો દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી કરવામાં આવી હતી. બે પાન પાર્લર દ્વારા પણ જાહેર રોડ ઉપર કચરો ફેંકવા બદલ ગંદકી કરવામાં આવતા તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લાં બે દિવસમાં 25 અને 26 નવેમ્બરના રોજ 211 દુકાનો ઓફિસોને ચેક કરી 104 નોટીસ આપી તેમજ કુલ રૂ. 1.18 લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.