અમદાવાદ : અમદાવાદના 132 ફુટ રિંગ રોડ પર વાળીનાથ ચોક પાસે BRTS સીએનજી બસમાં આગની લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં બે ગાડીઓ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવા ફાયરની ટીમના પ્રયાસો ચાલુ છે. બસમાં રહેલા પ્રવાસીઓ સમયસર નીચે ઉતરી ગયા હતા. કોઈ જાનહાનિ થઈ હોવાનું હજી સુધી સામે આવ્યું નથી. આગ લાગવાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ પાસે સીએનજી BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના પગલે બસમાં રહેલા તમામ લોકો નીચે ઉતરી ગયા હતા. BRTS બસ એલ. ડી. એન્જિનિયરિંગથી ઝુંડાલ સર્કલ તરફ જઈ રહી હતી. તે દરમિયાન વાળીનાથ ચોક સ્ટેશન રેમ્પ પાસે બસમાં આગળના ભાગમાંથી ધુમાડા નીકળ્યા હતા. જેથી તાત્કાલિક ધોરણે બંને દરવાજા ખોલી દેવાયા હતા અને 45થી વધારે લોકો સહી સલામત બહાર નીકળી ગયા હતા.
સૌથી મહત્વની બાબત એ હતી કે જયારે BRTS બસમાં આગ લાગી હતી તે દરમિયાનમાં બાજુમાંથી એક ખાનગી લોડીંગ વાહન જેમાં પૂંઠા/પેપર વી. હતા. તેમાં પણ આગની જ્વાળા અડી જતા આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા પૂંઠા ભરેલી ગાડીમાં પણ આગ લાગતા તેને બુઝવાવામાં આવી હતી. આગ લાગવાના કારણની તપાસ ચાલુ છે.