અમદાવાદ : અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય બુક ફેરને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બુકફેર આઠ ડિસેમ્બર સુધી યોજાશે. આ પુસ્તક મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયર પ્રતિભા જૈન, કોર્પોરેશનના અધિકારીઓ, અમદાવાદના ધારાસભ્ય હાજર રહ્યાં હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વખર્ચે પુસ્તક ખરીદવામાં આવ્યું હતું. અહીં પુસ્તક ખરીદવા આવતા લોકો માટે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન મોદીના હાથમાં બંધારણનું પુસ્તક પણ જોવા મળે છે. આ પુસ્તક મેળામાં 147 પ્રકાશકો અને 340 સ્ટોલ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેનમાર્ક, સિંગાપુર, યુએઇ જેવા દેશમાંથી જાણીતા લેખકો અને વક્તાઓ આ પુસ્તક મેળામાં આવશે. ગુજરાતમાંથી રઘુવીર સિંહ ચૌધરી, કુમારપાળ દેસાઇ, જગદીશ ત્રિવેદી, શાહબુદ્દીન રાઠોડ વગેરે જેવા સાહિત્યકાર પણ ઉપસ્થિત રહેશે.
બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને વિવિધ દેશોની ફિલ્મ બતાવવામાં આવશે. રસોઇના શોખીનો માટે પાક કલા મંચ ઉભુ કરવામાં આવ્યું છે જ્યાં રસોઇના પુસ્તકો ઉપરાંત કુકિંગ અંગે માહિતી આપવામાં આવશે.