અમદાવાદ : દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે છે ઉત્તરાયણનો તહેવાર. જોકે ઉત્તરાયણના તહેવાર પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ છે. જો તમે આ જાહેરનામાનો ભંગ કરશો તો તમારે ઉત્તરાયણના દિવસે પણ પોલીસ સ્ટેશન જવાનો વારો આવી શકે છે. પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશ્નરએ ઉત્તરાયણ પર્વને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં જાહેર માર્ગો, રસ્તાઓ કે મકાનના ધાબા પર ભયજનક રીતે પતંગ ઉડાડવાને લઈને આ જાહેરનામું બહાર પાડ્યું છે. સાથો સાથ લાઉડ સ્પીકર વગાડતા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ વ્યક્તિ સમાજ કે, ધર્મ પર લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. કપાયેલા પતંગો અને દોરાઓ જાહેર રસ્તાઓ પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. સાથો સાથ ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
તમને જણાવી દઈએ કે સુરતમાં ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો આતંક સામે આવ્યો હતો. પ્રતિબંધ પતંગની ચાઈનીઝ દોરીના કારણે સુરત ઓવરબ્રિજ પરથી પસાર થતાં એકાઉન્ટન્ટનું ગળુ કપાયું હતુ. ગળાના ભાગથી મગજમાં જતી ત્રણ નસ ચાઈનીઝ દોરીથી કપાઈ જતા ભોગ બનનાર સમર્થ નાવડિયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.