અમદાવાદ : એક તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં બીજી હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીને હૃદયમાં સ્ટેન્ટ મુક્યા બાદ તેનું મોત થયુ છે. મૃતક દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાનો આરોપ લગાવીને હોબાળો કર્યો હતો, સાથે મૃતદેહનો પણ અસ્વીકાર કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈ નામની વ્યક્તિને ગત રાત્રે દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેમની તબિયત વધારે બગડી હતી અને તેઓનું મોત થતા પરિવારજનોનોએ હોસ્પટલમાં હોબાળો મચાવ્યો હતો. ફરિયાદ બાદ શહેર કોટડા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાજપના નેતા પૂર્વ મંત્રી એવા વલ્લભ કાકડીયાની હોસ્પિટલના ડોક્ટરોએ હજી દર્દીનું મા કાર્ડ આવ્યું ને તરત જ નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરીનાખ્યું હતું. PMJAY કાર્ડમાંથી એપ્રુવલ આવ્યા પહેલા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. જો સારવારનો ખર્ચ મોટો થાય તો પરિવારજનો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોત તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY અંતર્ગત દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ દર્દીની લાશને સ્વીકારશે નહીં તેમ જણાવ્યું છે. પરિવારજનો દ્વારા હંગામો કરવામાં આવતા શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.