અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.25 ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલ 2024 ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.પંદરમા વર્ષમાં પ્રવેશેલા કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ વખત ડ્રોન શો યોજાશે.ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા થીમ બેઝ કાર્નિવલ પરેડનું પણ આયોજન કરવામાં આવશે.
વર્ષ-2008 થી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ત્રણ સ્ટેજ ઉપર વિવિધ કલાકારોના પર્ફોર્મન્સ સાથેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.આ વર્ષે કાંકરિયા ખાતે યોજવામાં આવનારા કાર્નિવલના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ તથા આંગણવાડીના મળી એક હજાર બાળકો સામૂહીક રીતે ચોકલેટ,કેન્ડી ખાઈ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરશે.ઉપરાંત થીમબેઝ કાર્નિવલ પરેડ, વિકસિત ગુજરાત,વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈટ એન્ડ સાઉન્ડ સો, લેસર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યુ છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે કહયુ, સવારે 6 થી રાતના 10 સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.સવારે 6 થી 10, બપોરે 3 થી 5 તથા સાંજે 5 થી 7 કલાક એમ ત્રણ શીફટમાં ત્રણ સ્ટેજ ઉપરથી વિવિધ કલાકારો તેમનુ પર્ફોર્મન્સ આપશે.કલાકારો દ્વારા આપવામાં આવનારા પર્ફોર્મન્સ પેટે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને ફી પેટે રુપિયા 3.50 કરોડ જેટલી રકમ ચૂકવશે.
કાંકરિયા કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી, અમીત ખુવા, સુરજ બરાલીયા દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી શો તેમજ અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘધનુષ, સરફીરે, એહસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ્સ દ્વારા પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે. તેમજ ડી. જે. કીયારા સાથે શહેરીજનો ડી. જે. નાઈટની મજા માણી શકશે. કાર્નિવલ દરમિયાન સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઉભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે.દર વર્ષે યોજાતા કાર્યક્રમોની સાથે વોટર ડાન્સ, એકવા શો, સ્ટેન્ડઅપ કોમેડી સહિતના આકર્ષણ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.