અમદાવાદ : શહેરમાં PCB એક્શનમાં આવી છે. PCB એ દરિયાપુરમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન 10 જુગારીઓને ધરપકડ કરીને 16.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ ભાડાના મકાનમાં જુગાર રમાડતા હતા.જુગાર રમવા માટે પૈસા લઈને સામે કોઇન આપતા હતા. જુગારી પાસે પૈસા ન હોય તો સાથે લાવેલું વાહન ગીરવી મૂકવામાં આવતું હતું. મકાન ભાડે આપનાર એક આરોપી ફરાર છે, જેની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દરિયાપુરના ચારવાડમાં ચાલતા જુગારધામ પર PCBએ રેડ પાડી હતી.યુસુફ શેખ અને ઝુબેર પટેલના ચારવાડમાં અબ્દુલ રઝાકના રોઝા સામે આવેલા મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. મકાનમાંથી 10 જુગારીઓ ઝડપાયા હતા, જેમાં જુગારધામ ચલાવનાર યુસુફ અને ઝુબેર પણ ઝડપાયા હતા. જુગારીઓની ધરપકડ કરીને 97 હજાર રૂપિયા રોકડા,11 મોબાઈલ ફોન, 6 વાહન, કોઇન, પત્તાની કેટ, પ્લાસ્ટિકની છાબડીઓ સહિત 16,58,550 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓ સાહીદખાન પઠાણનું મકાન માસિક 3 હજાર રૂપિયામાં ભાડે રાખીને જુગારધામ ચલાવતા હતા. આરોપીઓ ગ્રુપના માણસોને બોલાવીને નાણાંની હાર-જીતનો જુગાર જુદા-જુદા પ્લાસ્ટિકના કોઇન અને પૈસા પાનાથી રમાડતા હતા. જે ગ્રાહકો રમવા આવે તેમની પાસેથી રોકડ રકમ લઈને કોઇન જુગાર રમવા આપતા હતા. જે ગ્રાહકો પાસે રૂપિયા ના હોય તો તેઓ જે વાહન લઈને આવે તે ગીરવે મૂકીને જુગાર રમતા હતા.