અમદાવાદ : અમદાવાદના એસ.જી હાઈવે પર રોજેરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા જ મેરેજ એનિવર્સરી ઉજવવા નીકળેલા દંપતીનું કારની ટક્કરે મોત થયું હતું. ત્યારે આજે ફરી થલતેજ અંડરબ્રિજમાં અકસ્માત સર્જાયો છે. જેમાં સિમેન્ટની પાઈપો ભરીને જતી ટ્રક ડિવાઈર પર ચડીને પલટી મારી ગઈ હતી. જેને પગલે અંડરબ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના થલતેજ અંડરબ્રિજમાંથી સિમેન્ટની પાઈપો ભરીને જઈ રહેલી ટ્રકનું ટાયર ફાટતા ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું. જેથી ટ્રક લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક થાંભલો તોડીને ડિવાઈર કૂદીની રોંગ સાઈડ તરફ જઈને પડી હતી. જ્યારે આખા રોડ પર સિમેન્ડની પાઈપ વિખેરાઈ ગઈ હતી.
અકસ્માતમાં ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અકસ્માતને પગલે અંડરબ્રિજના બંને તરફ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાને પગલે એસ.જી હાઈવે 1 ટ્રાફિક પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે.