અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરમાં હાલ અલગ-અલગ જગ્યાએ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં આજે ખાસ કરીને જુહાપુરા વિસ્તારમાં સિનિયર IPS અધિકારીઓની સાથે પોલીસની ટીમ કોમ્બિંગ કરવા પહોંચી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જુહાપુરા વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લિસ્ટેડ ગુનેગારોની શંકાસ્પદ ગતિવિધીઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે કરવામાં આવેલા આ મેગા સર્ચ ઓપરેશન માટે સેકટર-1 એડીશનલ પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનવવામાં આવી હતી. JCP નીરજ બડગુજરની આગેવાનીમાં 3 DCP, 3 ACP, 10 PI, 20 PSI અને 400 થી વધુ પોલીસકર્મીના સ્ટાફ સાથે પોલીસે વેજલપુર, જુહાપુરા અને ફતેહવાડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
જ્યારે સામાન્ય લોકોની સ્થિતિ સારી રહે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુર્જર અને ત્રણ જેટલા DCP તેમજ 400થી વધુનો પોલીસ કાફલો આજે અમદાવાદ શહેરમાં સરપ્રાઈઝ કોમ્બિંગ કરવા માટે નીકળ્યા હતા.શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ થતા કેટલાક ગુનેગારો ફફડી ઉઠ્યા હતા.
તાજેતરમાં જુહાપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા કેટલાક ગુનેગારોએ જાહેરમાં તમાશો કર્યો હતો અને તેને પણ પોલીસે કડક હાથે દાબી દીધો હતો. પરંતુ, આગામી સમયમાં કોઈ પણ ગુનેગાર માથું ન ઊંચકે અને સામાન્ય લોકો સરળતાથી પોતાનો રોજિંદા કામ કરી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજથી શરૂ થયેલા સરપ્રાઈઝ કોમ્બિંગમાં આગામી દિવસોમાં પણ બીજા વિસ્તારમાં પોલીસ ગમે ત્યારે સરપ્રાઈઝ કોમ્બિંગ કરી શકે છે અને ગુનેગારો અથવા વોન્ટેડ આરોપીઓને પકડી તેમજ હથિયારો કે અન્ય વસ્તુઓ લઈને કોઈ સામાન્ય લોકોને પરેશાન ન કરે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા હવે સરપ્રાઈઝ કોમ્બિંગનો સહારો લેવામાં આવે છે.