અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક અને સુંદરતાને નિહાળવા માટે આવે છે. આ વખતે AMC દ્વારા ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં વધારો કરાયો હોવાની જાણકારી મળી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે આગામી મહિનામાં યોજાતા ફ્લાવર શૉની એન્ટ્રી ફી AMC દ્વારા બમણી કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફ્લાવર શૉની એન્ટ્રી માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 અને શનિવાર-રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી લેવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, AMC હેઠળની શાળાઓના બાળકોને ફ્રીમાં એન્ટ્રી રાખવામાં આવી છે, જ્યારે અન્ય શાળાના બાળકોને 10 રૂપિયા ટિકિટ છે.
પિટુનીયા જેવી ફૂલોની જાતિના 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર્સ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 30થી વધુ વિદેશી ફૂલોની જાતિ પણ લોકોને જોવા મળશે. આ ઉપરાંત વીમકા, ગજેનિયા, એન્ટિરિનીયમ, એસ્ટર, તોરણીયા, પાઇન્સેનટીયા જરબેરા, ડહેલીયા વગેરે પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળશે. ફૂલ છોડના રોપાઓના વેચાણ માટે 8 જેટલી ખાનગી નર્સરીના સ્ટોલ રહેશે. જંતુનાશક દવા બિયારણ, ગાર્ડન ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુઓના વેચાણ માટેના 21 સ્ટોલ હશે. ખાણીપીણીને લગતા 15 જેટલા ફૂડ કોર્ટ પણ હશે.
જ્યારે ગત વર્ષની વાત કરીએ તો, ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં સોમવારથી શુક્રવારમાં રૂ.50 અને શનિવાર-રવિવારે 75 રૂપિયા એન્ટ્રી ફી હતી. ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. AMCના મેયરને તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.