અમદાવાદ : અમદાવાદનાં કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. નવી પોલીસી અને નવા નિયમોના પાલન સાથે અટલ ટ્રેન દોડતી થઈ છે.અમદાવાદનાં કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થતા ફરવા આવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 6 મહિના બાદ ટોય ટ્રેનને ફરી લીલીઝંડી અપાઈ હતી.કોર્પોરેશનની શાળાનાં વિદ્યાર્થીઓને બેસાડીને ટ્રેનને શરૂ કરવામાં આવી હતી. નવી પોલિસી અને નવા નિયમોનાં પાલન સાથે અટલ ટ્રેન દોડતી થઈ હતી. તેમજ આગામી સમયમાં કાંકરિયામાં બંધ વોટર રાઈડ્સ પણ ટૂંક સમયમાં શરૂ થશે સરકારની નવી સેફ્ટી ગાઈડ લાઈનનું પાલન થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મંગળવારે સવારે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો અને 10થી 15 કોર્પોરેટરોની હાજરીમાં અટલ- સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકોને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલના બાળકો ટ્રેનમાં બેસીને ખુબ ખુશ થયા હતા. ટ્રેન ચાલુ થતાની સાથે જ બાળકોએ વંદે માતરમ અને ભારત માતાકી જયના નારા લગાવીને ટ્રેનની સફરનો આનંદ માણ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, અટલ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત 2008 માં થઈ હતી. પરંતું જ્યારે રાજકોટમાં આગ લાગવાની ઘટના બની હતી. તેને જોતા ટોય ટ્રેન એટલે કે અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારની નવી પોલિસી તેમજ નવા નિયમો મુજબ અટલ ટ્રેન ફરી આજથી શરૂ કરવામાં આવી છે. કાંકરિયામાં બંધ વોટર રાઈડ્સ બાબતે મેયર પ્રતિભા જૈને જણાવ્યુ હતું કે, કાંકરિયામાં બંધ વોટર રાઈડ્સ ચાલુ કરવા વિચારણા ચાલી રહી છે. તેમજ આગામી સમયમાં આ બાબતે નિર્ણય કરવામાં આવશે.
અટલ એક્સપ્રેસ સર્વન લેમ્બ નામની ટ્રેન ડેવલપ કરતી કંપની દ્વારા 6 કરોડના ખર્ચે આ ટ્રેન તૈયાર કરવામાં આવી હતી. આ ટ્રેનમાં કુલ 4 ખુલ્લા કોચ છે. અને તેમાં અંદાજે 145 જેટલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અટલ ટ્રેન કાંકરિયા તળાવ ફરતે 10 કિમી ઝડપે 40 મિનિટમાં રોજના 30 ચક્કર લગાવશે. કાંકરિયામાં છ મહિનાથી બંધ અટલ ટોય ટ્રેન પુનઃ શરૂ થશે. કાંકરિયા કાર્નિવર્લમાં મુલાકાતીઓ માટે અટલ એક્સપ્રેસ વિશેષ આકર્ષનું કેન્દ્ર બની રહેશે.