અમદાવાદ : રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મંગળવારે અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે સ્પર્ધાનાં વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આજે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનાં વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં DGP, CP સહિતનાં પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા. દરમિયાન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 450 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, ઉત્તમ દાખલા આપ્યા. આ પ્રકારનાં સફળ કાર્યક્રમ માટે ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પાઠવું છું.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજવામાં આવેલી શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં એક મહિના દરમિયાન કુલ 707 રજિસ્ટ્રેશન થયા હતા, જેમાંથી 458 શોર્ટ ફિલ્મ મળી હતી. આ શોર્ટ ફિલ્મના સ્ક્રિનિંગ માટે પાંચ લોકોની કમિટીની પણ રચના કરવામાં આવી હતી. તેમના દ્વારા તમામ શોર્ટ ફિલ્મ નિહાળીને તબક્કા વાર રાઉન્ડ પ્રમાણે 53 શોર્ટ ફિલ્મમાંથી 15 શોર્ટ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. તેમાંથી 10 શોર્ટ ફિલ્મને આજે ગૃહરાજ્ય મંત્રી સહિત પોલીસવડા સમક્ષ સ્ક્રિનિંગ કરીને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા.
આ શોર્ટ ફિલ્મના વિષયોમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાહન ચલાવવું, ટુ વ્હીલર પર ત્રણ સવારી ભયજનક વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, વધુ સ્પીડ ઉપર વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો, અડચણરૂપ અથવા તો નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું, લાઇસન્સ વગર વાહન ચલાવવું વગેરે વિષયોને ધ્યાનમાં રાખીને શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમ ભંગ સામે ગુજરાત પોલીસને રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવો. રોંગ સાઇડ વાહન ચલાવતા, ઓવર સ્પિડિંગ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો. હાથમાં દસ દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે.ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો.