અમદાવાદ : અસામાજિક તત્વોના વાયરલ વીડિયોના મામલે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રખિયાલમાં મોબાઈલ-2 માં ફરજ બજાવતા બે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી છે.આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્ત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો. પોલીસની ગાડી પહોંચતાં અસામાજિક તત્ત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. એટલું જ નહિ, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાની હકીકત બહાર આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિડીઓમાં અસામાજિક તત્વો પોલીસ પર હાવી થતા હોય તેવું દ્રશ્યમાન થયું હતું.