અમદાવાદ : રાજ્યનાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજથી બે દિવસ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે. જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં જિલ્લાઓમાં ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે. શહેર પ્રમુખ બનવા માટે ચાલુ અને પૂર્વ હોદ્દેદારોએ પણ ફોર્મ ભર્યાં છે. શહેર અને જિલ્લા પ્રમુખ માટે ભાજપના કાર્યકર્તાઓથી લઈ હોદ્દેદારોએ ભાજપના ઉચ્ચ નેતાઓનું લોબિંગ પણ શરૂ કર્યું છે. ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી મુજબ, ઉંમર, સંગઠનનો અનુભવ, 3 વખત સક્રિય સભ્ય સહિતના ભાજપના નિયમોમાં બંધબેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે. તમામ ફોર્મ સ્વીકારી અમે પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડને નામોની યાદી સોંપીશું, જે બાદ પ્રદેશ દ્વારા નામોની યાદી જાહેર થશે.
ભાજપનાં સૂત્રોમાંથી મળતી મુજબ,
ડો. ઋત્વિજ પટેલ, સહપ્રવક્તા, પ્રદેશ
ભાસ્કર ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર, સરસપુર વોર્ડ
હિતેશ બારોટ પૂર્વ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, કોર્પોરેટર, થલતેજ વોર્ડ
સુરેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય
ભૂષણ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય અને મહામંત્રી
મયૂર દવે, પૂર્વ કોપોરેટર
જિતુભાઈ પટેલ (ભગત), ધારાસભ્ય અને મહામંત્રી
બિપિન પટેલ, પૂર્વ કોર્પોરેટર, અસારવા
વલ્લભભાઈ પટેલ, પૂર્વ ચેરમેન, પૂર્વ કોર્પોરેટર, નરોડા વોર્ડ
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, પૂર્વ કોર્પોરેટર, ખાડિયા વોર્ડ
દર્શક ઠાકર, યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ
આ સિવાય અન્ય મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજ્યભરમાં શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. દાવેદારો કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવશે. આ માટે જિલ્લા શહેરોના પ્રમુખો માટે વય મર્યાદાની સીમા રાખવામાં નથી આવી. જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બાબતો પર પક્ષ દ્વારા નિયમ બનાવાયા છે.