અમદાવાદ: અમદાવાદના પોશ ગણાતા એરિયાનો હાઇવે એટલે કે એસ.જી. હાઇવે જે લગભગ હંમેશા ટ્રાફિકથી ભરપૂર રહે છે, તે 100% ડસ્ટ ફ્રી બનવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં સરખેજ અને ગાંધીનગરને જોડતા એસજી રોડને ડસ્ટ ફ્રી બનાવી દેશે. હાલમાં 2 કિલોમીટર સુધીના રોડને સરકાર ડસ્ટ-ફ્રી અને પ્રદુષણ મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પ્રોજેક્ટમાં પકવાનથી ઇસ્કોન સર્કલ વચ્ચેના રોડને ડસ્ટ-ફ્રી અને પ્રદુષણ મુક્ત બનાવવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરનો એસજી હાઇવે ટૂંક સમયમાં ડસ્ટ ફ્રી બની જશે. સફેદ શર્ટ પહેરી નિકળશો તો પણ તમારા સફેદ કપડાં પર ડાઘ નહીં પડે. આ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરના એસ. જી. હાઇવેની કાયાપલટ થઈ રહી છે.હાઇવેનો રોડ મેપ જોઈને કોઈપણ તેનાથી ચકિત થઈ જાય તેવો છે. આ રસ્તાઓ વિદેશના રસ્તાઓ પર ટક્કર મારે તેવા બની રહ્યા છે.આ કદાચ રાજ્યનો પહેલો હાઇ વે હશે જે ડસ્ટ ફ્રી હશે અને તેની સાથે તમામ સુવિધા સાથે બનેલો પહેલો રોડ હશે.
એસજી હાઇવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે, ગાર્ડન, વોકવે, સાઇકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. લોકો વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકે અને ટ્રાફિક ન થાય તે માટે સર્વિસ રોડ અને ડેવલપ થનારા એરિયા વચ્ચે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવસે. 1 કિલોમીટર ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવા માટે અંદાજે 25થી 30 લાખ ખર્ચ થશે. ધૂળિયા રોડથી લોકોને બચાવવા પહેલીવાર મુખ્ય રોડ પર આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
સરખેજથી ગાંધીનગર સુધીનો 40 કિમી લાંબો એસજી હાઇવે હવે ગ્રીન કોરિડોર તરીકે ડેવલપ કરાશે. જેમાં પકવાનથી ઇસ્કોન સર્કલ સુધીનો રોડ ડસ્ટ ફ્રી કરવાની કામગીરી 8 મહિનામાં પૂરી થશે. મ્યુનિ., ઔડા, ગુડા અને નેશનલ હાઇવે ઓથોરિટી મળી આ પ્રોજેક્ટ ચાલવશે.જે રાજ્યનો પહેલો ડસ્ટ ફી રોડ હશે.