અમદાવાદ : અમદાવાદમાં રખડતા ઢોર અને શ્વાનના આતંકની સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે હવે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં વાનરોનો આતંક વધી ગયો છે. શહેરના પ્રગતિનગર વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી વાનરોનો આતંક વધ્યો છે. રોજ સવાર સાંજ આ વિસ્તારમાં વાનરાઓની ટોળકી પહોંચી જાય છે. જેને પગલે ઘર આગળ પાર્ક કરેલ વાહનો અને ઘરના બારી બારણાં તોડવાનો પ્રયત્ન કરે છે. એટલું જ નહીં આ વિસ્તારમાં 5 લોકો પર વાનરોએ ઘાતકી હુમલો કરી ઘાયલ કર્યા હતા.આ હુમલાનો ભોગ બનેલ બે લોકોને ટાંકા આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રગતિનગર વિસ્તારના રહીશો વાનરોના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં અવારનવાર વાંદરાનું ઝુંડ આવીને આતંક મચાવે છે. સ્થાનિકો લોકોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, વાનરોઓથી નાગરિક અને નાના બાળકોને કરડવાના બનાવો છેલ્લાં બે સપ્તાહથી વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં પાંચ લોકો હુમલાનો ભોગ બની ચુક્યા છે.વાનરોના ત્રાસથી નાના બાળકોથી લઈને તમામ લોકોમાં ડરનો માહોલ છે. તેવા સંજોગો વચ્ચે વાનરોનો ત્રાસ દૂર થાય તે માટે વન વિભાગ પગલાં ભરે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.