અમદાવાદ : અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલની 8 વર્ષની ગાર્ગી રાણપરાનું અવસાન થવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યે સીડી ચડતી વખતે વિદ્યાર્થીનીને છાતીમાં દુ:ખાવો થતાં સીડી પરથી પડી ગઈ હતી. આ પછી વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળામાં પહોંચીને CCTV કેમેરા દ્વારા તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિદ્યાર્થી ગાર્ગી તુષાર રાણપરા સવારે 7 વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા તાત્કાલિક તે સીડિ પર બેસી ગઈ હતી. તેની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થી ગાર્ગી તુષાર રાણપરાને છાતીમાં દુખાવો થવા લાગ્યો. છાતીમાં દુ:ખાવો થતાં વિદ્યાર્થી અચાનક બેસી ગયો હતો. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી અને તેમણે તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ મોડી પડતાં તેને સ્ટાફના વાહનમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ વિદ્યાર્થી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા હાલ મુંબઈમાં છે અને તેમને જાણ કરવામાં આવી છે. પ્રવેશ સમયે કોઈ રોગ નહોતો. તેમજ પ્રવેશ સમયે વિદ્યાર્થીને કોઈ રોગ ન હોવાના દસ્તાવેજો લેવામાં આવ્યા છે. બીજી કોઈ બીમારી ન હોવા છતાં અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો.