અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને પત્ની અવાર નવાર બોલાચાલી ઝઘડા કરી હતી. જેથી કંટાળીને 4થી જાન્યુઆરીના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલ હરીઓમ એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ સોનીગરાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ મનીષા વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. મનસુખભાઇના પુત્ર આશીષે દશેક વર્ષ પહેલા આર્યસમાજમાં મનીષા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતાં. મનસુખભાઇની મરજી વિરૂદ્ધ આશીષે મનીષા સાથે લગ્ન કર્યા ત્યારે તે અલગ રહેતો હતો. આશિષને જ્યારે કામ હોય ત્યારે તે પોતાના ઘરે આવતો હતો અને માતા પિતાને મળતો હતો. આશિષ ઘરે આવે ત્યારે મનસુખભાઇને જણાવ્યુ હતું કે, મનીષા તેના પર ખોટા શક વહેમ રાખીને અવાર નવાર ઝઘડા કરીને ત્રાસ આપતી હતી. જેનાથી કંટાળીને આશિષે દોઢેક વર્ષ અગાઉ દવા પીને આત્મહત્યાની પણ કોશિષ કરી હતી.
4થી જાન્યુઆરીના સવારે જ્યારે મનસુખભાઇ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ભત્રીજાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,આશિષે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. પત્નીના શંકાશીલ સ્વભાવને કારણે યુવાનનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. પત્નીએ યુવાનને કહ્યું કે તું હાલને હાલ મરી જા, આત્મહત્યા કરતા પહેલા યુવાને પોતાના મિત્રને વીડિયો રેકોર્ડિંગ કરીને મોકલ્યું હતું. તો બીજી તરફ રાણીપ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.