અમદાવાદ: 2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓલિમ્પિકનું પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવી છે. બહોળો અનુભવ ધરાવતી કોલાઝ ડિઝાઈન પ્લાનિંગ પ્રા.લિમિટેડને આ કામ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની જરૂરિયાત મુજબના હયાત ટી.પી. રોડ, ટ્રાન્સપોર્ટ ફેસીલીટી, અર્બન ડિઝાઇન એન્ડ પ્લાનિંગ, સિટી બ્યુટીફીકેશન, સિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિટી લોજીસ્ટીક, ટ્રાફિક વગેરેનો ડિટેઈલ સર્વે કરી તેના કોમ્પ્રીહેન્સિવ રિપોર્ટ બનાવવાનો થાય જે માટે તેને નીચે મુજબનાં ત્રણ સ્ટેજમાં વહેંચીને માસ્ટર પ્લાનિંગ કરવાનું આયોજન કરેલ છે.આ માટે 12.5 કરોડની જંગી રકમ ખર્ચ કરવામાં આવશે.
જેમાં પ્રથમ સ્ટેજમાં શહેરની જુદા જુદા ક્ષેત્રોમાં વર્તમાન પરિસ્થિતિ, આગામી આવનાર પ્રોજેક્ટ તેમજ માંગ તથા પુરવઠા વગેરેનો તફાવત સહિતનું ઉડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવનાર છે.
બીજા સ્ટેજમાં ‘અમદાવાદ 2036’ અને ‘વિકસીત 2047’ના માપદંડો નક્કી કરી જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલ સ્ટેક હોલ્ડર તેમજ શહેરની સમજનાં આધારે તબક્કાવાર સલાહ તેમજ માર્ગદર્શન સાથેની વિગતો પૂરી પાડવામાં આવશે.
ત્રીજા સ્ટેજમાં શહેરની પ્રાયોરિટી તેમજ નાણાંકીય ભંડોળનાં આધારે એએમસીની જરૂરિયાત મુજબ અમલકરવા માટેનું ‘વીઝન ડોક્યુમેન્ટ’ આપવામાં આવશે.
આ રિપોર્ટ ના ભાગરૂપે અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ અને કલ્ચર, એજ્યુકેશન અને હેલ્થ, વેધર અને ક્લાયમેટ, સ્પોર્ટસ, હવાઈ, રેલ, રોડ ની કનેક્ટીવીટી અંતર્ગત જરૂરિયાત અને ગેપ નો સર્વે કરી કન્સલ્ટન્ટ દ્વારા ડેવલપ કરવાના થતા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ની ડિઝાઇન અને લોકેશન સાથેનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવનાર છે.
અમદાવાદને ‘વિઝન અમદાવાદ 2036’ અને ‘વિકસીત અમદાવાદ 2047’ અંતર્ગત શહેરને વિશ્વસ્તરીય માળખાગત સુવિધા સાથે ડેવલપ કરવા માટે નીચે મુજબ ના જુદા જુદા પેરામીટર/સ્ટેક હોલ્ડર પર કામગીરી કરાવવામાં આવનાર છે.
અમદાવાદને ડેવલપ કરવા કયા પેરામીટરને ધ્યાનમાં લેવાશે
અર્બન પ્લાનિંગ
ટ્રાન્સપોર્ટેશન/ ટ્રાફિક/રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
એકોમોડેશન અને હાઉસિંગ
મેન્યુફેક્ચરિંગ
રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન
એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી.
લોજીસ્ટીક
ક્લાયમેટ ચેન્જ.
બ્યુટીફીકેશન
ટેલીકોમ્યુનિકેશન, ઉર્જા, પાણી, ગટર, શિક્ષણ, રમતગમતની સુવિધાઓ
શહેરનાં ભૌગોલિક પ્રશ્નો તેમજ તેનું સોલ્યુશન
અમદાવાદ શહેરને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ માટે તેમજ શહેરનાં આર્થિક વિકાસ માટે મુખ્ય પાસાઓ જેવા કે ઉદ્યોગ, બાંધકામ, શિક્ષણ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોની શહેરીની વિગત મેળવી તેમાં જરૂરી ફેરફાર તેમજ સૂચનો મેળવવામાં આવશે.