અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતેથી અંદાજિત રૂ.651 કરોડના કુલ 37 પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.95 કરોડના 10 પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ તથા રૂ.556 કરોડના 27 પ્રજાલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું.
મેયર પ્રતિભા જૈને આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આજના પ્રસંગે દૂધ સંજીવની યોજના થકી આંગણવાડી અને સ્કૂલ બોર્ડના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આંગણવાડીના વિદ્યાર્થીઓને પ્રતીકાત્મક રીતે દૂધ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાપડની થેલીઓનો ઉપયોગ વધે તે હેતુસર અ.મ્યુ.કો. દ્વારા વિતરણ કરવામાં આવનાર કાપડની ટકાઉ થેલી પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ AMC અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ડી-કેબિન LC 241 અંડરપાસ અને ચેનપુર LC2 અંડરપાસનું લોકાપર્ણ તેમજ જળ સંચય અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં પરકોલેટિંગ વેલ તથા પ્રબોધ રાવળ બ્રિજથી કાળી ગરનાળા સુધી RCC બોક્સ ડ્રેઈન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત પણ કરાવ્યું હતું. સાથે જ રાણીપના સરદાર ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડ્રેનેજ, વોટર, રોડ, બ્રિજ, હાઉસિંગ, બિલ્ડીંગ, વેજીટેબલ માર્કેટ, તળાવ, શ્રમ સુવિધા કેન્દ્ર સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સંપન્ન કરાવ્યું હતું. આ પ્રસંગે ઝૂંપડપટ્ટી પુનર્વસન પોલિસી અંતર્ગત 83 આવાસો અને 12 દુકાનોના ડ્રો પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા હતા તથા પ્રતીકાત્મક ચાવી લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રજાલક્ષી કાર્યોના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારત માતાનો પ્રચંડ જયઘોષ કરાવીને જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે, આજે તેમને શ્રદ્ધાંજલિ આપી વંદન કરું છું. તેમણે કહ્યું કે, ભારત માતાના મહાન સપૂત નેતાજીએ ગુલામીની ઝંઝીરો તોડવા અને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરવા 2 સૂત્રો આપ્યા હતા, “ચલો દિલ્હી”, અને તુમ મુઝે ખૂન દો, મેં તુમે આઝાદી દુંગા… એમણે પોતાનું સમગ્ર જીવન આઝાદી માટે ખર્ચીને આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. નેતાજી યુગો યુગો સુધી ભારતના યુવાનો માટે પથદર્શક રહેશે.
ગૃહ મંત્રીએ રાણીપ વિસ્તારના પ્રજાજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વિસ્તારના લોકોએ મને 5 વાર ધારાસભ્ય અને 2 વખત સંસદમાં ચૂંટીને મોકલ્યો છે. આ વિસ્તારના લોકો માટે કામ કરવું એ મારું કર્તવ્ય છે એમ જણાવી તેમણે કહ્યું કે, આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ ચંદ્રભાગા નાળાના કામથી આ વિસ્તારની ઘણી સમસ્યાઓનો કાયમી અંત આવશે. તેમણે ઉમેર્યું કે મધ્યમ વર્ગના બાળકોના આનંદ પ્રમોદ માટે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. ચંદ્રભાગા નાળાના કારણે જે જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ હતો ત્યાં હવે અમ્યુઝમેન્ટ પાર્ક બનવાથી બાળકો કિલકિલાટ કરશે. તેમણે કહ્યું કે, આજે કરવામાં આવેલ ખાતમુહૂર્તના કામોથી રાણીપ, નવા રાણીપ, ચેનપુર જોડાઈ જશે. જેનાથી શહેરના વિકાસને વેગ મળશે. તેમણે કહ્યું કે, 1996-97 માં હું પહેલીવાર ધારાસભ્ય બન્યો ત્યારે આ વિસ્તારમાં ખારું પાણી આવતું હતું. આજે ગાંધીનગરથી વેજલપુર સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું છે.
ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આજે એક જ દિવસે 350થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાના કામનો પ્રારંભ થયો છે. આ તમામ કામો માટેની ગ્રાન્ટ રાજ્ય સરકાર, એમ.પી., એમએલએ ફંડમાંથી આપવામાં આવશે તેમાં તમારે માત્ર સંમતિ આપવાની જરૂર છે. તેમણે જળ સંચય માટે પરકોલેટિંગ વેલ અને સોલાર રૂફટોપ અપનાવવા નગરજનોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “દૂધ સંજીવની યોજના” હેઠળ ગરીબ બાળકોના પોષણની વ્યવસ્થા સરકાર કરે છે પરંતુ આપણે આંગણવાડીઓને દત્તક લઈ કૂપોષણ મિટાવવાના કાર્યમાં સહભાગી બનીએ. ગૃહ મંત્રીએ કહ્યું કે,144 વર્ષ પછી અલ્હાબાદ-પ્રયાગરાજમાં મહાકુંભમાં યોજાઈ રહ્યો છે. આ મહાકુંભમાં ભાગ લેવો એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે, તેમાં સહભાગી થવા તેમણે લોકોને અપીલ કરી હતી.
વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને વિરાસતોના જતનને સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અયોધ્યામાં વર્ષો બાદ રામમંદિરનું નિર્માણ અને તેની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને ગઈકાલે જ એક વર્ષ પૂર્ણ થયું છે. નાગરિકોની સુખાકારી અને ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારતા અનેકવિધ આધુનિક અને નવતર પ્રકલ્પોની ભેટ આપતા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે સંપન્ન થયા છે. જેના લીધે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિરાસતના જતન સાથે વિકાસ કરતું શહેર બનશે.વડાપ્રધાનના નેતૃત્વમાં ‘ઈઝ ઓફ લિવિંગ’ના મંત્રને સાકાર કરતા વિવિધ પ્રકલ્પોના લીધે હેપ્પીનેસ ઇન્ડેક્સ અનેક ગણો વધ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ અને વિરાસતના જતનની પરંપરા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આગળ વધારી રહ્યા છે. એ દિશામાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવાગમન, પાણી, આરોગ્ય, સ્પોર્ટ્સ સહિતની માળખાગત સુવિધાઓ વધારતા અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અમિત શાહે આપી છે. રાજ્યમાં શહેરી વિકાસ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સુઆયોજિત શહેરીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે રાજ્યના શહેરી વિકાસનું બજેટ રૂ.21,696 કરોડ છે, જે શહેરી વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરે છે. ફ્યુચરિસ્ટિક સીટી ડેવલપમેન્ટ, શહેરી સુખાકારી તથા સુદ્રઢ શહેરી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સ્વચ્છતાને નાગરિકોના સ્વભાવ અને સંસ્કાર સાથે જોડવાનું કાર્ય કરવામાં આવ્યું છે. સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે અનેકવિધ અભિયાનો અને પ્રકલ્પો અમલી બનાવવામાં આવી રહ્યા છે. અ.મ્યુ.કો. દ્વારા આયોજિત ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ’ આ જ પ્રકારનું અભિયાન છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને સાકાર કરવાની દિશામાં વિકસિત ગુજરાત રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, લોકસભા સાંસદ હસમુખ પટેલ તથા રાજયસભા સાંસદ નરહરિ અમીન, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, અમદાવાદ અને ગાંધીનગરના ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસીપલ કમિશ્નર એમ. થેન્નારસન, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.