અમદાવાદ : શિક્ષણ જગતને લાંછન લગાડતા કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદના ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. સ્પોકન ઇંગ્લિશ ક્લાસના શિક્ષકે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખોખરા વિસ્તારમાં આવેલ પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગ્લિશના સંચાલક જીગ્નેશ ગોહિલ અને વિદ્યાર્થિનીની ટ્યુશન ક્લાસમાં મુલાકાત થઈ હતી. દરરોજ મળતાં હોવાથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. નરાધમ શિક્ષકે તેના ભોળપણનો લાભ ઉઠાવી વિવિધ જગ્યાએ લઈ જઈ શરીરસંબંધ બાંધ્યો હતો. આ દરમિયાને તેણે ફોટા અને વીડિયો ક્લિક કરી લીધા હતા. જેના આધારે તે બ્લેકમેલ કરતો હતો.
શિક્ષકના ત્રાસથી કંટાળી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખોખરા પોલીસે આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નરાધમ શિક્ષકે અગાઉ કોઈ વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય કર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.