અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાં જ્વેલર્સ શોપના માલિક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. શો રૂમના માલિકે દાગીના ગીરવે મુકાવીને 20 લાખ રૂપિયા આપીને સામે 48 લાખ રૂપિયા વ્યાજ લીધું હતું. છતાં મહિલાને દાગીના પરત આપ્યા નથી. શો રૂમ માલિકે 95 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે અંગે વસ્ત્રાપુર પોલીસે વ્યાજખોર જ્વેલર્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટની ફરિયાદ મુજબ, 2015ની સાલમાં તેમણે અલગ અલગ સમયે તેમના 859 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકીને વસ્ત્રાપુર તળાવ પાસેથી આવેલા ઝાંઝર જ્વેલર્સના માલિક વસંત પાસેથી 20 લાખ રૂપિયા માસિક અઢી ટકાના વ્યાજે લીધા હતા. જેનું દર ત્રણ મહિને દોઢ લાખ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. મીનાબેન પટેલ અત્યાર સુધી 48.50 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે. છેલ્લા બાર મહિનાથી સગવડ ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યા નથી.
જ્વેલર્સ શો રૂમના માલિકે વસંત શાહે વ્યાજના પૈસાની માંગણી કરતા મીનાબેન અને તેમના પતિ વસંતભાઈની દુકાને ગયા હતા. તેમણે વસંતભાઈને જણાવ્યું હતું કે, હિસાબ કરી અમારા દાગીના તમે વેચાણમાં રાખી લો અને વ્યાજ તથા મૂડી કાપીને અમારી લેવાની થતી બાકીની રકમ અમને આપી દો. ત્યારે વસંતે જણાવ્યું હતું કે, તમારે 2019થી વ્યાજ ચૂકવવાનું બાકી છે, જેથી તમારે 95 લાખ રૂપિયા આપવાના હિસાબ નીકળે છે. તમે 95 લાખ રૂપિયા આપી જાવ અને તમારા દાગીના લઈ જાવ.
આ અંગે મીનાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં વર્ષ 2019માં વસંતે 2.5 ટકા વ્યાજની માંગણી કરી હતી, તેનું પણ રેકોર્ડિંગ પોલીસને સોંપ્યું છે. પોલીસે આ મામલે વ્યાજખોર વસંત શાહ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.