અમદાવાદ : રાજ્યમાં 10 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. તે સમયે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હતી. હાઈકમાન્ડ સુધી આ આંદોલનના પડઘા પડ્યા હતા. આ આંદોલનમાં સરકાર અને પાટીદાર નેતાઓ વચ્ચે થયું હતું. તે સમયે રાજ્ય સરકારે સંખ્યાબંધ પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયા હતા.
પાટીદાર આંદોલનના કેસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. દિનેશ બાંભણીયા અને હાર્દિક પટેલે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને મુખ્યમંત્રી અને ભાજપ સરકારનો આભાર માન્યો છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર જણાવ્યું છે કે, “યુવાનો પર લાગેલા રાજદ્રોહના તમામ કેસ પરત ખેંચવા બદલ ખૂબ આભાર.” આ નિર્ણય પાટીદાર સમાજ અને તેની પછાત હક માટે મહત્વપૂર્ણ છે.
આ સિવાય પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) કન્વિનર દિનેશ બાંભણિયા દ્વારા પણ આ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા. જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિતને આરોપી બતાવવામાં આવ્યા હતાં. આ તમામના કેસ પરત ખેંચવા માટે ખૂબ-ખૂબ આભાર… સત્યમેવ જયતે… જય સરદાર…
પાટીદાર આંદોલન વખતે ગુજરાત ભડકે બળ્યું હતું. આખા ગુજરાતમાં આંદોલન ચાલ્યું હતું, તો કેટલાક પાટીદાર નેતાઓ પર રાજદ્રોહના કેસ થયા હતા. જેને કારણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું હતું. ત્યારે હવે આ આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે.પાટીદાર નેતા અલ્પેશ કથીરીયાએ આ વિશે જણાવ્યું કે, બે મહિનાથી સરકાર સાથે વાત ચાલી રહી હતી. અમદાવાદના સૌથી વધુ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. સાંજ સુધી જાહેરાત કરવામાં આવશે.