અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચ દરમિયાન એક અનોખું સામાજિક અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન “Donate Organs, Save Lives” નો ઉદ્દેશ્ય લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. BCCIના અધ્યક્ષ જય શાહે આ અભિયાનની જાહેરાત કરી છે અને આ અભિયાનની અનોખી શરૂઆતની માહિતી આપી છે.
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારતની મેચ દરમિયાન એક સામાજીક કાર્યક્રમ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, રેડક્રોસ અને BCCI સાથે મળીને એક અભિગમ ઊભો કર્યો છે કે ઓર્ગન ડોનેશનમાં લોક જાગૃતિ ઊભી થાય, તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ સાથે મેચ દરમિયાન હાજર પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લેશે. આ માટે મેચ દરમિયાન તેમને યોગ્ય સમય પણ ફાળવવામાં આવશે.”
આ અભિયાનને લઈને ઐતિહાસિક એવા સ્ટેડિયમથી વધુ એકવાર વિશ્વભરમાં સામાજીક સંદેશ જશે. જેમાં મેચ જોવા આવનાર પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.
અભિયાનની વિશેષતાઓ:
સ્ટેડિયમમાં હાજર દર્શકો અંગદાનની પ્રતિજ્ઞા લેશે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને BCCIના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મેદાનમાં 1000થી વધુ સ્વયંસેવકો શપથ લેવડાવશે અને અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવશે.
સામાજિક મીડિયા પર પણ ભારતના ટોચના ક્રિકેટરો દ્વારા પ્રેરણાદાયક સંદેશ પ્રસારિત કરવામાં આવશે.
વિશેષ કાર્યક્રમ:
રેડક્રોસ સોસાયટી દ્વારા જાહેર કરાયેલા QR કોડ દ્વારા અંગદાન સંમતિ ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન રેડક્રોસ દ્વારા વિશેષ રજિસ્ટ્રેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.
ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં હાજર દર્શકો દ્વારા સૌથી વધુ અંગદાન શપથ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ક્રિકેટ અને સામાજિક જવાબદારી: આ અભિયાન માત્ર એક રમત નહીં, પરંતુ એક મહાન સંદેશ પણ છે. એક વ્યક્તિના અંગદાનથી 8 લોકોનું જીવન બચાવી શકાય. BCCI અને રેડક્રોસ સોસાયટી દ્વારા આ અભિયાનને સાકાર કરવા માટે તમામ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે.
બુધવારે ભારતની ટીમ ઈંગ્લેન્ડ સામે સીરિઝમાં વિજય મેળવવા ઉતરશે, પણ સાથે સાથે સ્ટેડિયમમાં સામાજિક બદલાવની એક નવી મિસાલ પણ સ્થાપિત થશે. આ અનોખી પહેલના ભાગરૂપે, દરેક વ્યક્તિએ આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને જીવન બચાવવા માટે અંગદાનની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જે આજની સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.