અમદાવાદ : શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે AMC દ્વારા મુખ્ય ચાર રસ્તા પર બ્રિજ બનાવવામાં આવે છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આરટીઓ સર્કલ પર અને પરિમલ સર્કલ પર બે નવા ઓવરબ્રિજ બનશે. આ બંને બ્રિજ રૂ. 322 કરોડના ખર્ચે બનશે.આ બ્રિજ બનવાના લીધે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાય છે તેનાથી છૂટકારો મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આરટીઓ સર્કલ પર 1624 મીટર લાંબો ફ્લાયઓવર અને લો ગાર્ડન પર આવેલા પંચવટી જંકશન પર એલ આકારનો 779 મીટર લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ બ્રિજ લો ગાર્ડન પાસેની હોટેલ રેડિસન બ્લુથી લઈને પંચવટી સર્કલ થઈને સીએન વિદ્યાલય પાસે ઉતરશે.આ બંને બ્રિજ રૂ. 322 કરોડના ખર્ચે બનશે.આ બ્રિજ બનાવવા પાછળ 75 જેટલા વૃક્ષ કાપવામાં આવશે. આમ આ બ્રિજ લો ગાર્ડન ચાર રસ્તાને પણ આવરી લે તેમ માનવામાં આવે છે.
આ કામો માટે સ્ટેન્ડિંગ કમિટી અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂરી મળી ગઈ છે. તેના પછી આગામી સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. આ કામ લગભગ 30 મહિનામાં પૂરુ થાય તેવો અંદાજ છે, પણ કદાચ પ્રતિકૂળ સંજોગો સર્જાય તો પણ તે કમસેકમ 36 મહિનામાં પૂરુ થઈ જાય તેમ માનવામાં આવે છે.
મ્યુ કોર્પોરેશનના સૂત્રો મુજબ, આ બંને ઓવરબ્રિજ એવી રીતે બનાવામાં આવશે જેથી હયાત ઓવરબ્રિજ છે તેને નજીકથી કનેકટ કરી શકાય તે રીતે આ ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આના લીધે સાબરમતીથી આરટીઓ સર્કલ અને નદીપારથી લો ગાર્ડન જ નહીં છેક સીએન અને તેના દ્વારા નેહરુનગર સુધીનો વાહનવ્યવહાર સરળ બની જશે.