અમદાવાદ : શહેરના સેટેલાઈટમાં રામદેવનગર ખાતેથી પૂરઝડપે પસાર થઇ રહેલી BRTSના ચાલકે સાયકલ લઈને ટ્યુશન જઈ રહેલી 13 વર્ષની કિશોરીને ટક્કર મારી ઉડાવી દીધી હતી. જેમાં કિશોરીના 3 દાંત તૂટી ગયા હતા તેમજ મોઢા, ખભા અને પાંસળીઓમાં ફ્રેકચર થયા હતા. પોલીસે BRTSના ચાલક વિરુધ્ધ અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગરના અગ્રવાલ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ સોમપુરા(49)ની 13 વર્ષીય દીકરી ધ્વનિ ધોરણ-8માં અભ્યાસ કરે છે. મંગળવારે સાંજે ધ્વનિ ઘરેથી સાયકલ લઈને ઈસ્કોન ટયુશન જવા નીકળી હતી. ધ્વનિ સેટેલાઈટ રામદેવનગર ચાર રસ્તા ક્રોસ કરી રહી હતી, ત્યારે પૂરઝડપે પસાર થઇ રહેલી BRTSની ઈલેક્ટ્રિક બસના ચાલકે ધ્વનિની સાઇકલને ટક્કર મારતા તેને માથા- મોઢા-ખભા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
અકસ્માતમાં ધ્વનિના ઉપરના 3 દાંત પડી ગયા હતા. તેમજ મોઢા – ખભા અને પાંસળીઓમાં ફ્રેકચર થયા હતા. આ અંગે ધર્મેન્દ્રભાઈએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીઆરટીએસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.