અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હિટ એન્ડ રન અકસ્માતની 3 ઘટનામાં એક વૃદ્ધ અને ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યાની ઘટના બની હતી. જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓ શીલજ કેનાલ રોડ, અસલાલી અને ચાંદખેડામાં બની હતી.હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પહેલી ઘટનામાં કલોલના વિશાલ ઠાકોર અને સંબંધી કાળાજી ઠાકોર બાઇક પર સાણંદના સાયલા ખાતે લગ્નપ્રસંગમાંથી પાછા આવી રહ્યા હતા. આ સમયે શીલજ કેનાલ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિશાલ અને કાળાજી રોડ પર પટકાયા હતા. બંને આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે બંનેને નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બોપલ પોલીસ ટક્કર મારી ભાગી જનારા કારચાલકને શોધી રહી છે.
બીજી ઘટનામાં અસલાલી નજીક પૂરઝડપે આવેલી એક ટ્રકે ટુવ્હીલરને ટક્કર મારી હતી. ટુવ્હીલર પર જઈ રહેલા ભાવેશ સોલંકી અને ભરત સોલંકી નામના પિતરાઈ ભાઈઓ જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થવાને કારણે ભાવેશ સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ભરત સોલંકી હોસ્પિટલમાં છે.
ત્રીજી ઘટનામાં ચાંદખેડાના 80 વર્ષના વૃદ્ધ ત્રિભોવન ઘેલા રવિવારે સાંજે ચાલવા નીકળ્યા હતા. શ્લોક એવન્યુ નજીક ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરે તેમને ટક્કર મારી હતી. ટુવ્હીલરની ઝડપ એટલી હતી કે, વૃદ્ધ રસ્તા પર પછડાતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા પછી ટુવ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ટુવ્હીલર ચાલક સગીર હોવાની શંકા છે. ઓળખ માટે પોલીસ સીસીટીવી ફેંદી રહી છે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા અકસ્માતો બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. છતાંય ઓવરસ્પીડ વાહન ચાલકોને કોઈ ડર રહ્યો નથી. વાહન ઓવરસ્પીડમાં તેમજ નશો કરી ચલાવાતા હોવાથી અકસ્માત વધી રહ્યા છે.