અમદાવાદ : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા પાન મસાલા ખાઇ જાહેરમાં પિચકારી મારનાર લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે સ્થળ ઉપરાંત કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાંથી શહેરમાં લગાવેલા CCTV દ્વારા આવી રીતે ગંદકી ફેલાવનારા લોકોને મેમો આપવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા પાન મસાલા ખાઇ જાહેરમાં પિચકારી મારનાર લોકો સામે એક વર્ષમાં 19,941 લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 23.32 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ તંત્ર દ્વારા મોટા પાયે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. દંડ કરવા છતાં હજી લોકો પાન અને મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવે છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 5,612 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછા 1,409 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
દંડનાત્મક કાર્યવાહીને ઝોન વાઇસ પર નજર કરીએ તો, પૂર્વમાં 2,601 લોકો સામે 2.73 લાખનો દંડ, પશ્ચિમમાં 3,108 લોકો સામે 3.68 લાખનો દંડ, ઉત્તરમાં 1,503 લોકો સામે 1.58 લાખનો દંડ, મધ્યમાં 1,309 લોકો સામે 1.55 લાખનો દંડ, ઉત્તર-પશ્ચિમમાં 3,334 લોકો સામે 5.59 લાખનો દંડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 2,374 લોકો સામે 2.58 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.