અમદાવાદ : અમદાવાદામાં એક પુરુષને ચોર સમજીને ત્રણ લોકોએ ફટકાર્યો હતો અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. થોડીવાર પછી પુરુષની સ્થિતિ ગંભીર બનતાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે પુરુષને ફટકારનારા ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 21 ફેબ્રુઆરીએ વિભુષા બંગ્લોઝ પાસે સોમેશ્વર રેસીડન્સી સામે પટેલ ફેબ્રીકેશન સામે આવેલ ત્રણ બાકડા વચ્ચે 3 લોકોએ ઇન્દ્રવદનને માર માર્યો હતો. 39 વર્ષીય ઇન્દ્રવદન પુરષોતમભાઇ પરમારનું ઢોર માર મારવાના કારણે મોત થયું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક એસડીએમની હાજરીમાં વીડિયોગ્રાફી કરાવી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક ઈન્દ્રવદનને ચોર સમજી ફટકારનારા કેતન, સુભાષ અને કંદર્પની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ત્રણ દિવસ પહેલા આરોપી કેતન પટેલની ફેબ્રીકેશનની દુકાનમાં ચોરી થઈ હતી જેથી કેતન અને તેના અન્ય બે મિત્રોએ સાથે મળીને પોતાની ફેબ્રિકેશનની દુકાનની આસપાસ રેકી કરી હતી.કેતન પટેલે પોતાની દુકાનમાં થયેલ ચોરીની ઘટનામાં ચોર કોણ છે,તે જાણવા માટે સંદર્ભ પટેલ અને સુભાષ પટેલ સાથે મળીને રેકી કરી, જેથી ચોર કોણ છે તે જાણી શકાય. આ દરમિયાન 21 ફેબ્રુઆરીએ સવારે 6:00 કલાકે ઇન્દ્રવદન નામનો યુવક તેમની દુકાન પાસેથી પસાર થતો હતો જેથી તેના પર શંકા રાખી હુમલો કરવામાં આવ્યો.
આ હુમલામાં ઇન્દ્રવદનને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું હતું. બોપલ પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં કેતન પટેલ અને સુભાષ પટેલનો સમાવેશ થાય છે. ત્રણેયની ધરપકડ કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


