અમદાવાદ : અમદાવાદમાં શેલા વિસ્તારમાં વિચિત્ર બનાવ બન્યો છે. શહેરના શેલા વિસ્તારમાં બાઈક પર જતા યુવક પર તેની જ પૂર્વ મંગેતરે હુમલો કર્યો છે. યુવકે સગાઈ તોડી નાખતા યુવતીએ યુવક પર કાર ચડાવી દીધી હતી. યુવતી યુવકને ફોન કરીને વારંવાર હેરાન કરતા યુવકે નંબરો બ્લોક કર્યા હતા. એટલું જ નહિ, યુવતીએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ કર્યો. ત્યારે યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શેલા વિસ્તારનો આ બનાવ છે. શેલામાં રહેતા જય પટેલ ઓટોમેશનનો વ્યવસાય કરે છે. જય પટેલની સગાઈ મહેસાણાની યુવતી સાથે 13 વર્ષ પહેલા થઈ હતી. યુવતીના ભાઈ સાથે યુવકની બહેનની પણ સગાઈ કરવામાં આવી હતી. પરંતુ મનમેળ નહીં રહેતા બે જ મહિનામાં બંનેની સગાઈ તોડી દેવામાં આવી હતી. ત્યારથી યુવક યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. થોડા સમય બાદ યુવકના લગ્ન થઈ ગયા હતા. યુવતી પણ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ હતી. થોડા દિવસ પહેલા યુવતીએ યુવકને ફોન કરીને તેના પરિવારજનોના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન તેણે તેં મારી સાથે સગાઈ તો તોડી નાખી પણ મારા લગ્ન તારી સાથે થયા હોત તો સારું હતું તેવું કહ્યું હતું. જે બાદ તે સતત યુવકને ફોન કરતી હતી.
યુવકે તેને ફોન કરવાની ના પાડી હતી. તેમ છતાં ન માનતાં બ્લોક કરી દીધા હતા. યુવતીએ તેને આપણે બંને વાત કરીએ છીએ તે મારા પતિને ખબર પડી ગઈ છે તેમ કહ્યું હતું. યુવક શેલા ભારત પટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવતી કાર લઈને આવી હતી અને ટક્કર મારતાં રોડ પર પટકાયો હતો. યુવતી હાથમાં છરી લઈને આવી હતી અને તું મારી સાથે વાત કેમ કરતો નથી. તેં મારો નંબર બ્લોક કેમ કરી દીધો છે તેમ કહી છરીના ત્રણ ઘા માર્યા હતા. જીવ બચાવવા યુવક લોહીલુહાણ હાલતમાં રોડ પર દોડ્યો હતો. કોઈ વાહન ચાલક પાસે લિફ્ટ લઈને થોડે દૂર ગયો હતો અને ત્યાંથી 108માં હોસ્પિટલ પહોંચ્યો હતો.આમ, જય પટેલે પૂર્વ ફિયાન્સી સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવકે યુવતીનો નંબર બ્લોક કરી દેતાં તે જુદા જુદા નંબર પરથી ફોન કરતી હતી. અઠવાડિયા પહેલા તેણે ફોન કરીને તેના પતિને ખબર પડી ગઈ હોવાનું કહ્યું હતું. જેથી યુવતે તું મને તારા પતિ, સાસુ, સસરાનો નંબર આપ તો હું વાત કરી લઉ તેમ કહ્યું હતું. પરંતુ યુવતીએ કોઈ નંબર આપ્યા નહોતા.