અમદાવાદ : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયારી દર્શાવી છે. આ ઓલિમ્પિક માટે હાલ 2025માં બીડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ આપવાનો હતો જે ભારત દ્વારા મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આ ગેમ્સનું આયોજન કરવા વિચારણા હોવાથી હાલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી થઈ રહ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં કરવાનો વિચાર છે. જેને લઈને ત્યાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ગતિથી આગળ વધારવામાં આવી રહ્યું છે, સાથે અમદાવાદમાં નેશનલ લેવલની જુદી-જુદી ટુર્નામેન્ટનાં આયોજન પણ વધારવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાયો હતો તેમજ નેશનલ લેવલની ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવા જુદા-જુદા કાર્યક્રમો દ્વારા આપણે અમદાવાદને પ્રમોટ કરીને તેને એક ખાસ સેન્ટર તરીકે ડેવલપ કરી રહ્યા છીએ, જેમાં સફળતા મળવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની વિચારણા હોવાથી સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં નેશનલ લેવલની જુદી-જુદી ટુર્નામેન્ટનાં આયોજન પણ વધારવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જે ફેસિલિટી છે, તેવી ઇન્ટરનેશનલ કક્ષાની ફેસિલિટી સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય શહેરોમાં પણ ઉભું કરવામાં આવશે. હાલ જે કોઈપણ સ્પોર્ટ્સને લગતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય છે તે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને કરાય છે.


