અમદાવાદ : અમદાવાદીઓ, તમારા ઘરમાં બિમાર અથવા તો વૃદ્ધો વડીલોને સાચવવા માટે તમે કેર ટેકર રાખી છે તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ કેર ટેકર તમારી તીજોરી સાફ કરી શકે છે. અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, વૃદ્ધ સાસુની તબીયત ખરાબ હોવાથી તેમની સાર સંભાળ માટે મહિલાએ એજન્સી થતી કેર ટેકરને નોકરી પર રાખી, જોકે તેણે વૃદ્ધાની સારસંભાળની સાથે ઘરમાં હાથ સફાઈ કરવાની શરૂ કરી અને લાખોના દાગીનાં ચોરી લીધા હતા.જો કે, બોપલ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા જ ચોર દંપતીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક નાગરિક દ્વારા નોંધાયેલ ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી ઘરમાંથી ચોરી કરતી સાતિર બંટી અને બબલીની જોડીને પોલીસે ઝડપી પાડી છે. ફરિયાદ અનુસાર, સાઉથ બોપલ વિસ્તારમાં આરોહી એલિઝમ ખાતે રહેતા સારીકાબેન પાચપોરનાં સાસુ રચનાંબેનને હૃદયની બિમારી હોવાથી તેઓની સારસંભાળ માટે પી.એલ.એસ હીલ એટ હોમ પ્રાઈવેટ લીમીટેડ કંપની મારફતે નિકિતા દાયમા અને માંગીલાલ દાયમા નામની બે વ્યક્તિ કેર ટેકર આવી હતી અને વૃદ્ધોની સેવા કરવાનું કામ કરતા હતા. પોતાની સેવાથી ખુશ કરીને ઘરનાં લોકોને વિશ્વાસમાં લીધા હતા.
દરમિયાન, તક મળતા દંપતીએ ઘરમાંથી સોનાં-ચાંદીનાં દાગીના અને રોકડની ચોરી કરી હતી અને ફરાર થયા હતા. જો કે, પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી દંપતીને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ મૂળ રાજસ્થાનનાં બાંસવાડા જિલ્લાનાં રહેવાસી છે. પોલીસે આરોપી દંપતી પાસેથી રૂ. 8 લાખ 34 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.