અમદાવાદ: હાલ હોળી અને ધુળેટી ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ડાકોર-દ્વારકા જતાં હોય છે. આ ઉપરાંત હોળી-ધૂળેટીના પર્વમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.ડાકોર, દાહોદ, ગોધરા સહિતના મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન અને વકીલ સાહેબ બ્રીજથી વધારાની બસ દોડાવાશે તેમજ ઓઢવ રીંગરોડથી પણ દોડાવવામાં વધારાની બસ આવશે. હોળીના તહેવારને ધ્યાને લઈ ST વિભાગે 820 જેટલી બસોનું સંચાલન કરવાનું આયોજન કર્યુ છે.હોળી-ધૂળેટીના પર્વમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જતાં મુસાફરોની સંખ્યા વધુ હોય છે. જેના પરિણામે દર વર્ષે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદથી 820 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હકીકતમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હોળી-ધૂળેટીના તહેવારના ધ્યાનમાં રાખીને આગામી 9 માર્ચ થી 13 માર્ચ, 2025 એમ 5 દિવસ દરમિયાન ડાકોર, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, બારીયા અને છોટા ઉદેપુર જતાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન, બોપલ સ્થિત વકીલ બ્રિજ અને ઓઢવ રિંગ રોડ પરથી 820 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
મુસાફરો ડેપો અને નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તેમજ મુસાફરોને પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં.1800 233 666666 ઉપર 24 કલાક માહિતી મેળવી શકશે. હોળી ધુળેટી પર્વ પર ગત વર્ષે એસ. ટી. દ્વારા 1000 જેટલી બસો દ્વારા 6500 થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, પંચમહાલ જેવા જિલ્લામાંથી અનેક લોકો નોકરી અને વેપાર-ધંધા માટે અમદાવાદમાં આવીને વસ્યા છે. જેઓ હોળી-ધૂળેટીના તહેવાર માટે ખાસ પોતાના વતન જતા હોય છે.