અમદાવાદ : શહેરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલ મહિનામાં અમદાવાદ કેમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેમાં રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર અપલોડ કરવાનો રહેશે. તેના બદલામાં તમને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. ગંદકી કરનારા વાહનના નંબર પ્લેટ પરતી વિગતો મેળવી ઘરે નોટિસ મોકલીને દંડ વસૂલ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લોંચ થનારી એપ્લિકેશનથી ટ્રાફિક, પાર્કિંગ, રોંગ સાઇડમાં આવતા વાહનો, ગંદકી, કચરો સહિતના મુદ્દાઓને આવરી લેવાયા છે. લોકો જ્યાંથી પણ ફોટો લેશે તેમાં જીઓ ટેગિંગથી ઓટોમેટિક જ લોકેશન આવશે. જેથી લોકોએ અલગથી એડ્રેસ આપવાની જરૂર રહેશે નહીં. દંડની રકમ માટે આરટીઓને પણ આ અભિયાનમાં જોડાશે. જેથી નિયમોનો ભંગ કરનારા વાહન માલિકોના ઘરે નોટિસ મોકલી શકાશે.
રસ્તામાં કચરો ફેંકનારા કે કાર-બાઇકમાંથી થૂંકનારા લોકોનો ફોટો કોઈપણ નાગરિક ખેંચી લઈ કોર્પોરેશનની અમદાવાદ કેમ એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે. શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે ફોટો અપલોડ કરનારા લોકોને જાણીતી બ્રાન્ડના ગિફ્ટ વાઉચર અપાશે. આ ગિફ્ટ વાઉચરના ઉપયોગથી લોકો નક્કી કરેલા માર્કેટમાંથી વાઉચરની રકમ મુજબ ફ્રીમાં ખરીદી કરી શકશે. આ એપ્લિકેશન અંતિમ તબક્કામાં છે અને આગામી મહિને લોન્ચ કરવામાં આવશે. ચાલુ કારમાંથી પણ કોઈ થૂંકશે તો નંબર પ્લેટના આધારે તેના ઘરે કોર્પોરેશન નોટિસ મોકલશે અને દંડ વસૂલ કરશે.
કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી કરનારા લોકો સામે ખાસ અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ગંદકી કરતી દુકાનો, રેસ્ટોરંટ કે હોટેલોને દંડ કરાય છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા લોકો પાસેથી પણ સ્થળ પર જ દંડ વસૂલાય છે. પરંતુ આ અભિયાનમાં જનભાગીદારી વધે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સાથે જ લોકોને પણ આ પ્રવૃત્તિથી ફાયદો થાય તેવી વ્યવસ્થા પર કામ ચાલી રહ્યું છે. લોકોને પણ ફાયદો થાય તે માટે વિવિધ મોટી શોપિંગ કંપનીઓ સાથે પણ એમઓયુ કોર્પોરેશન દ્વારા કરાઈ શકે છે.