અમદાવાદ : ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ છે. ઉજવણી કરવામાં અમદાવાદીઓ પણ પાછળ નથી રહ્યા. અમદાવાદમાં ઠેર ઠેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઢોલ નગારા સાથે ઉતરી આવતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.શહેરમાં મોટાભાગના રસ્તાઓ પર લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીની ખુશીમાં એકત્ર થતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈલન મેચમાં ન્યુઝિલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતને વધાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવી હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો. તો બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.
અમદાવાદ શહેરમાં ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી માટે લોકોએ પહેલાથી જ તમામ તૈયારીઓ કરી રાખી હતી. જીત થતા જ બીજા મિનિટે લોકો ઢોલ નગારાના તાલે તિરંગા સાથે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર, શાસ્ત્રીનગર વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. અનેક સ્થળો પર વાહનચાલકો અને ઉજવણી કરી રહેલા લોકો વચ્ચે બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા. સ્થિતિ બગડે નહીં તે માટે અમદાવાદમાં પોલીસે રસ્તા પર ઉતરવું પડ્યું હતું.
અમદાવાદના સિંધુભવન રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાત સેંકડો કારની કતાર લાગી છે. આ સમયે નાના ભૂલકાઓ કારમાં બેસીને જ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા.અમદાવાદમાં સિંધુભવન રોડ પર માનવ મહેરામણ ઉમટી પડતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો.અમદાવાદ શહેરમાં મોટાભાગના રસ્તાઓ પર લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીની ખુશીમાં એકત્ર થતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. CG રોડ પર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.
અમદાવાદ શહેરમાં રસ્તાથી લઈ સોસાયટીઓ સુધી જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નારણપુરા, નવા વાડજ અને રાણીપમાં લોકો તિરંગા સાથે બહાર નીકળ્યા અને ઉજવણીનો જશ્ન મનાવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા હતા.શહેરના પૂર્વ વિસ્તાર જેમ કે ગોમતીપુર, બાપુનગર, નિકોલ અને અમરાઈવાડી વિસ્તારમાં યુવાનોએ ફટાકડા ફોડી ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી હતી.
તો બીજી તરફ ભારતની જીતમાં અમદાવાદીઓ ભાન ભૂલ્યા છે. રોડ ઉપર સામાન્ય નાગરિકો અને અવર-જવરમાં તકલીફ પડી રહી છે લોકો કોઈપણ વાહનોને ઉભા રાખી અને બૂમાબૂમ કરી રહ્યા છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં યુવકો રસ્તા વચ્ચે આવીને ઉજવણી કરવા લાગતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાની ચિંતા કર્યા વગર જ યુવકો રસ્તા પર નાચતા જોવા મળ્યા હતા.