અમદાવાદ : મેગા સીટી અમદાવાદમાં સફાઈ કામદારોની સ્થિતિમાં આજે પણ કંઈ સુધારો આવ્યો નથી. આજે પણ ગટરની સફાઈ કરવા માટે કોઈપણ સાધન વિના સફાઈ કામદારોને અંદર ઉતારવામાં આવે છે, જેના કારણે ગૂંગળાઈ જવાથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવોજ એક કિસ્સો વસ્ત્રાપુર વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે જેમાં ગેસ ગળતરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર વિસ્તારમાં સુભાષ પાર્ક પાસે એક ખાનગી સોસાયટી દ્વારા આ સફાઈ કામદારને ગટરની સફાઈ માટે બોલાવવામાં આવ્યો હતો. સફાઈ કામદાર ગટરમાં ઉતર્યા બાદ ગટરમાં રહેલા ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગટરની સફાઈ માટે કોઈપણ વ્યક્તિને ગટરમાં ઉતારવા પર મંજૂરી આપવામાં આવતી નથી. તેમ છતાં ખાનગી સોસાયટી દ્વારા એક વ્યક્તિને ગટરમાં ઉતારવામાં આવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ગટરની સફાઈ દરમિયાન સલામતીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા કર્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.


